ઓપ્શન કોન્ટ્રાક્ટમાં પ્રીમિયમ ટર્નઓવર વેલ્યુને બદલે “નોશનલ વેલ્યુ” ને ધ્યાનમાં રાખીને વાર્ષિક ટર્નઓવર ફીના આધારે રેગ્યુલેટરી ફી ચૂકવવાના સેબીના આદેશને પરિણામે શેરમાં વેચવાલીનો માહોલ(BSE Share News)
સેબી(SEBI)ના આદેશ બાદ નવા શરુ થયેલા માર્કેટ સત્રમાં પ્રથમ દિવસે બીએસઈ લિમિટેડ(BSE Limited)ના શેરની કિંમતમાં 17 ટકાનો જાયન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ લિમિટેડ(BSE Limited)ના લિસ્ટિંગ પછીનો કંપનીના શેરના ભાવોમાં નોંધાયેલો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. આજના(સોમવારના) ટ્રેડીંગમાં બીએસઈ(BSE)ના શેરમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સવારે 9:50 વાગ્યે, NSE પર લીસ્ટેડ BSE શેર 498.35 રૂપિયા એટલે કે 15.52 ટકા ઘટીને 2,715 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શું છે એ સમાચાર જેણે BSE ના શેરમાં આજે ભુક્કા બોલાવી દીધા ?
સેબીના તાજેતરના નિર્દેશો અનુસાર રેગ્યુલેટરી ફી(Regulatory Fee)માં વધારો થવાની સંભાવના છે, જે ભવિષ્યમાં બીએસઈની કમાણી અને આવનારા સમયમાં કંપનીના પરિણામો પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
શુક્રવારે, બીએસઈએ એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ તેને ઓપ્શન કોન્ટ્રાક્ટના કિસ્સામાં “નોશનલ વેલ્યુ” (પ્રીમિયમ ટર્નઓવરને બદલે)ને ધ્યાનમાં રાખીને વાર્ષિક ટર્નઓવર ફીના આધારે નિયમનકારી ફી/રેગ્યુલેટરી ફી(Regulatory Fee) ચૂકવવા કહ્યું છે. સેબીએ બીએસઈને પાછલા સમયગાળાની ડિફરેન્શીયલ રેગ્યુલેટરી ફી ચૂકવવા માટે પણ કહ્યું છે, જેમાં દરેક મહિનાના વિલંબ માટે બાકીની રકમ પર વાર્ષિક 15 ટકા વ્યાજ લાગુ પડે છે.
BSE ના શેર પર શું થઇ અસરો અને કોને થશે મોટું નુકસાન ?
આજે સોમવારે ખુલેલા નવા સત્રના વેપારમાં સવારના સેશનમાં જ બીએસઈ લિમિટેડ(BSE Limited)ના શેરમાં 12 ટકાનો ઘટાડો થતાં મ્યુચ્યુઅલ ફંડ્સને 406 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હતો. આ ઘટાડો ઓપ્શન કોન્ટ્રાક્ટસની પ્રીમિયમ વેલ્યુના બદલે તેની નોશનલ વેલ્યુના આધારે રેગ્યુલેટરી ફીની ગણતરી કરવાના સેબીના નિર્દેશના પગલે જોવા મળ્યો હતો.
માર્ચ 2024 સુધીમાં, 738 કરોડ રૂપિયાના મૂલ્યના આશરે 23 લાખ શેર સાથે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ બીએસઈમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે હવે ઘટીને 658 કરોડ રૂપિયા થઈ ગયો છે. ઇન્વેસ્કોને BSE ના શેરમાં જોવા મળેલા ધોવાણના લીધે 81 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ત્યારબાદ BSE માં મોટી હિસ્સેદારીમાં એક્સિસ, મોતીલાલ ઓસવાલ અને કેનરા રોબેકો જેવા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ આવે છે. જેમાં મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડને 60 કરોડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડને 58 કરોડ અને કેનરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડને 48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું( માહિતી સ્ત્રોત:-NSE ના શેર હોલ્ડીંગ પેટર્નના આંકડાના આધારે ).
માર્ચ 2024 સુધીમાં 27 મ્યુચ્યુઅલ ફંડોનું બીએસઈ સ્ટોકમાં રોકાણ રહ્યું છે, જેમાં 3304 કરોડ રૂપિયાથી વધુની કિંમતના કુલ 1.16 કરોડ શેર છે.
આ સાથે LIC સહીત ઘણા દિગ્ગજ રોકાણકારો આ સ્ટોકમાં(BSE Limited) હિસ્સેદારી ધરાવે છે, જેમને આજે મોટું નુકસાન સહન કરવનો વારો આવ્યો છે.
જાણો ઓપ્શન કોન્ટ્રાકટ, નોશનલ વેલ્યુ અને પ્રીમિયમ વેલ્યુના લીધે કેવી રીતે BSE ને પડશે નુકસાન ?
રેગ્યુલેટરી ફીમાં નોંધપાત્ર વધારાને કારણે બીએસઈની નાણાકીય સ્થિતિને ફટકો પડવા સમભાવ છે, જેના કારણે રોકાણકારોએ શેર વેચવા તરફ ધ્યાન લગાવ્યું છે. સેબીની ફીમાં વધારો એટલા માટે થયો છે કારણ કે તેના ઓપ્શન કોન્ટ્રાકટની ગણતરી નોશનલ વેલ્યુના આધારે કરવામાં આવે છે, પ્રીમિયમ વેલ્યુના આધારે નહીં.
BSE એ ઓપ્શન કોન્ટ્રાકટ માટે પ્રીમિયમ વેલ્યુનો ઉપયોગ કરીને વાર્ષિક ટર્નઓવરના આધારે ફી ચૂકવી હતી. બીએસઈ અને એનએસઈ બંનેએ નાણાકીય વર્ષ પૂરું થયાના 30 દિવસની અંદર સેબીની નિયમનકારી ફી ચૂકવવી પડશે.
તેના ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સના ‘નોશનલ વેલ્યુ’ માંથી ગણવામાં આવતા વાર્ષિક ટર્નઓવરના આધારે બજાર નિયમનકાર સેબીને તેની નિયમનકારી ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યા બાદ શેર પર તેની અસર દેખાઈ છે.
ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં, નોશનલ વેલ્યુ એ જે તે એસેટની બજાર કિંમતને કરારની ચોક્કસ રકમ સાથે ગુણાકાર કરતા મળતી કિંમત છે. ઉદાહરણ તરીકે, જો એક ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ₹30ના ભાવે વેપાર કરતા શેરના 1000 શેરોનું પ્રતિનિધિત્વ કરે છે, તો તેની નોશનલ વેલ્યુ ₹3 0,000 હશે.
BSE (બી. એસ. ઈ.)એ ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે પ્રીમિયમ વેલ્યુના આધારે વાર્ષિક ટર્નઓવરની ગણતરી કરી હતી. તેણે વ્યાજની સાથે પાછલા સમયગાળાની ડિફરેન્શીયલ રેગ્યુલેટરી ફી ચૂકવવી પડશે.
પ્રીમિયમ વેલ્યુ એ એક એવી કિંમત છે જેના પર ઓપ્શન ધારકને ચોક્કસ તારીખે પૂર્વનિર્ધારિત કિંમતે જ તે એસેટ ખરીદવાનો અથવા વેચવાનો અધિકાર મળે છે.
બીએસઈને ₹165 કરોડની ડિફરેન્શીયલ રેગ્યુલેટરી ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે, જેમાંથી ₹69 કરોડ નાણાકીય વર્ષ 2007થી નાણાકીય વર્ષ 2023 સુધી અને ₹96 કરોડ નાણાકીય વર્ષ 2024 માટે છે.
સાથે જ, બીએસઈની પીઅર કંપની એમસીએક્સ(MCX)ને પણ 4.43 કરોડ રૂપિયાની ડિફરન્શિયલ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.
શું કહે છે માર્કેટ નિષ્ણાતો આ મુદ્દે ?
આ ઊંચી ફી BSEના ઇપીએસ(અર્નિંગ પર શેર) ને 16% થી 18% સુધી અસર કરી શકે છે એવું મનાઈ રહ્યું છે. ઘણા બ્રોકરેજ હાઉસીઝે શેરને તેના અગાઉના “Buy” ના રેટિંગથી “Hold” ના રેટિંગ પર ડાઉનગ્રેડ કર્યો છે. જોકે, એ પણ નોંધવું જરૂરી છે કે BSEનો શેર 17% ઘટીને ₹2,672 પર ટ્રેડ થઈ રહ્યો હોવા છતાં, છેલ્લા 12 મહિનામાં સ્ટોક 400% થી વધુ વધ્યો છે. લિસ્ટિંગ પછી શેરના ભાવમાં આજે નોંધાયેલો ઘટાડો સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે.