PM Surya Ghar Yojana(પીએમ સૂર્ય ઘર યોજના)નો લાભ કેવી રીતે મેળવવો ? કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ ? કેટલી સબસીડી મળે ? કોને લાભ મળે?
દેશમાં રીન્યુએબલ ઉર્જા સ્ત્રોતો(પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો) પ્રત્યે લોકજાગૃતિ વધી રહે છે. આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી બચવા માટે વિશ્વભરમાં સરકારો લોકોને રીન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો અપનાવવા માટે જાગૃત કરી રહી છે. ભારતમાં પણ સૌર ઉર્જા અંગે ધીમે ધીમે લોકજાગૃતિ વધી રહી છે. કેન્દ્ર સરકારે સૌર ઉર્જાને ઘર ઘર સુધી પહોચાડવા અને વધુને વધુ લોકોને રીન્યુએબલ ઊર્જાસ્ત્રોતો પ્રત્યે વાળવા માટે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આવા પ્રયત્નોના ભાગરૂપે સરકારે પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના અમલમાં મૂકી છે. લોકોને તેમના ઘરો પર સોલાર રુફ્ટોપ લગાવવા અને વીજબીલમાં ઘટાડો કરવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ લાભદાયી યોજના વિશે, તેના લાભો, પાત્રતા, સબસીડી, અરજી પ્રોસેસ, ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત સહિતની તમામ બાબતો વિશે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana)નો ઉદ્દેશ
પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાનો ઉદ્દેશ 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનો છે. આ યોજના હેઠળ, 1 કરોડ પરિવારો તેમની વધારાની વીજળી DISCOM ને વેચીને વાર્ષિક 15,000 કરોડ રૂપિયાની બચત કરી શકે છે. આ યોજનાની મુખ્ય વિશેષતા સોલર પેનલ લગાવનારને મળતી નાણાકીય સહાય અને પર્યાપ્ત સબસિડી છે. આ યોજનાના લાભાર્થીઓને સબસિડી સીધી તેમના બેંક ખાતામાં મળે છે અને સાથે સાથે યોગ્ય સબસિડીવાળી બેંક લોન પણ મળે છે. જેનાથી સોલાર પેનલ લાગવવા ઈચ્છુક અને આ યોજનાનો લાભ મેળવતા ઈચ્છતા વ્યક્તિઓ પર વધારાના ખર્ચનો બોજ પડતો નથી.
સરકાર દ્વારા પાયાના સ્તરે યોજનાની લોકપ્રિયતા વધારવા માટે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ગ્રીન ફયુચરને પ્રોત્સાહન આપવાનું અને ભારતને ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનું છે. આ યોજના ભારતના રહેવાસીઓ માટે ખૂબ જ ફાયદાકારક બનવા જઈ રહી છે. આ યોજનાથી દરેક ઘર સુધી વીજળી પહોંચવામાં મદદ મળશે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના મુખ્ય ફાયદા (PM Surya Ghar Muft Bijli Yojana advantages)
- આ યોજના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ, સોલર પેનલનો પુરવઠો અને સ્થાપનની સુવિધામાં વધારો કરશે, જેનાથી મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે ઉદ્યોગસાહસિક બનવાની તકો ઊભી થશે.
- સાથે જ, સોલર પેનલના ઉત્પાદન અને જાળવણીમાં ટેકનિકલ કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારીની પૂરતી તકો ઊભી થશે.
- આ યોજના હેઠળ દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ ઉપરાંત, યોજના હેઠળ 1 કરોડ લોકોને લાભ મળશે.
- સરકાર બેંકો પાસેથી સૌર પેનલ્સ ખરીદવા માટે લોન આપવા માટે સહાય અને માર્ગદર્શન પણ આ યોજના હેઠળ આપવામાં આવશે.
-
ગ્રાહકો, શહેરી સ્થાનિક સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ સહિત દરેક હિતધારક(સ્ટેકહોલ્ડર)ને રાષ્ટ્રીય ઓનલાઇન પોર્ટલ સાથે જોડવામાં કરવામાં આવશે. જેનાથી અરજી અને અમલીકરણ પ્રક્રિયા સુવ્યવસ્થિત બનશે અને નાગરિકોને સરળતાથી આ યોજનાના લાભો મળશે.
- વીજળીના બિલમાં ઘટાડા સાથે, આ યોજનાથી રોજગારીનું સર્જન થવાની, આવકની તકોમાં વધારો થવાની અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. એટલે કે આ યોજનાના આર્થિક અને પર્યાવરણીય એમ બન્ને પ્રકારના લાભો છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana)ની પાત્રતા
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટેની પાત્રતા નીચે મુજબ છેઃ
- ભારતના રહેવાસી નાગરિકો આ યોજના માટે પાત્ર બનશે.
- આ યોજનામાં અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- યોજના હેઠળ મધ્યમ વર્ગ અને ગરીબોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- આ યોજના તમામ જાતિના લોકોને લાગુ પડે છે.
- આ યોજનાનો ભાગ લેવા માટે અરજદારના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે જરૂરી દસ્તાવેજો
જો કોઈ વ્યક્તિ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે પાત્ર બનવા માંગે છે, તો તેની પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છેઃ
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વીજળી બિલ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- સોગંદનામું
- આવકનું પ્રમાણપત્ર
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા
- યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક વ્યક્તિએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ-pmsuryaghar.gov.in પર જવું પડશે. હોમ પેજ પર Apply for Rooftop Solar વિકલ્પ પર ક્લિક કરો.
- સૌ પ્રથમ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે આ વિગતોની જરૂર પડશેઃ રાજ્ય, વીજળી વિતરણ કંપની, ઇલેકટ્રીસીટી મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી અને ગ્રાહક નંબર.
- ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ અરજી કરવાની રહેશે.
- સ્ટેપ – 1 :- પોર્ટલમાં ઉપર દર્શાવ્યા મુજબની વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો. તમારું રાજ્ય પસંદ કરો, તમારી વીજ વિતરણ કંપની પસંદ કરો, તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો, મોબાઇલ નંબર દાખલ કરો, ઇમેઇલ દાખલ કરો. પોર્ટલ પર દર્શાવ્યા મુજબની સૂચનાઓનું પાલન કરો
- સ્ટેપ- 2 :- ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરો. ત્યારબાદ ફોર્મ મુજબ રૂફટોપ સોલર માટે અરજી કરો
- સ્ટેપ- 3 :- ડિસ્કોમ પાસેથી અરજી મંજૂરી માટે રાહ જુઓ. એકવાર તમારી અરજી મંજૂર થઇ જાય પછી, તમારા ડિસ્કોમમાંના કોઈપણ નોંધાયેલા વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ(સોલાર પેનલ) ઇન્સ્ટોલ કરાવો.
- સ્ટેપ- 4 :- એકવાર ઈંસ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો
- સ્ટેપ- 5 :- નેટ મીટરના ઈંસ્ટોલેશન અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી, તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર તૈયાર કરશે
- સ્ટેપ- 6 :- તમને કમિશનિંગ રિપોર્ટ મળી જાય પછી બેંક ખાતાની વિગતો અને રદ થયેલ ચેક પોર્ટલ દ્વારા સબમિટ કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળી જશે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana) FAQs
શું છે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના?
આ યોજના મધ્યમ અને ગરીબ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે શરુ કરાયેલી યોજના છે. આ યોજના સોલર રૂફટોપ દ્વારા લોકોની આવકમાં વધારો કરે છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનામાં કેટલી સબસિડી ઉપલબ્ધ છે?
આ યોજનામાં Rs.30,000/- પ્રતિ કિલોવોટ સબસિડી મળે છે. સબસિડીની મહત્તમ રકમ રૂ. 78, 000 છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ કેટલા લોકોને મળશે?
પ્રથમ તબક્કામાં 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આગળ જતા આ લીમીટ વધારવામાં આવી શકે છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે લોન ક્યાંથી મળી શકે?
તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી.
શું તમે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો?
હા, તમે આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
ભારતનો દરેક નાગરિક પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે કેટલીક શરતો છે.
આમ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana) આવનારા સમયમાં દેશને રીન્યુએબલ ઉર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને દેશવાસીઓને સૌર ઉર્જા, પવન ઉર્જા અને આવા અન્ય પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો અપનાવવા અને દેશને ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જન સામે રક્ષણ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.