Stock Market Today :- ભારતીય શેરબજારોમાં તેજી પર લાગી બ્રેક, વૈશ્વિક બજારો અને સ્થાનિક સમાચારોને પરિણામે પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના લીધે મંદીનો માહોલ
કોટક બેંક પર RBIનો પ્રતિબંધ(Kotak Bank ban), વોડાફોન આઈડિયા FPO લિસ્ટીંગ સહીત ઢગલાબંધ કંપનીઓના Q4 પરિણામોને લીધે માર્કેટ વોલેટાઈલ
વૈશ્વિક બજારો અને સ્થાનિક સમાચારોની ભારતીય બજારો પર અસર(Stock Market Today)
ભારતીય શેર બજારોમાં 4 દિવસની તેજી પછી આજે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે રોકાણકારોમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં નબળો ટ્રેન્ડ અને કોટક મહિન્દ્ર બેંક પર RBI ના પ્રતિબંધોને પરિણામે ભારતીય બજારોમાં આજે તેજી પર બ્રેક વાગી છે. આજે સવારે 7:35 વાગ્યે ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY ) ફ્યુચર્સ 60 પોઇન્ટ ઘટીને 22,355 પર હતો. આજે રોકાણકારો વૈશ્વિક બજારો, એપ્રિલ ડેરિવેટિવ શ્રેણીની માસિક એફ એન્ડ ઓ(F&O) સમાપ્તિ અને Q4FY24 પરિણામોના આધારે ટ્રેડીંગ કરશે. ગઈ રાત્રે યુએસ બજારો ફ્લેટ બંધ થયા હતા, મેટા શેર અપેક્ષા કરતા ઓછા રેવન્યુ ગાઈડન્સના કારણે 16 ટકા જેટલો ઘટ્યો હતો, જેથી ડાઉ અને નાસ્ડેક ફ્યુચર્સમાં બજાર પછીના ટ્રેડીંગમાં તીવ્ર ઘટાડો થયો હતો. ગુરુવારે યુ. એસ. બજારો માં એક મહત્વપૂર્ણ ટ્રેડિંગ સત્ર હશે કારણ કે મોટી ટેક કંપનીઓ પોતાના પરિણામો જાહેર કરશે તથા રોકાણકારો જીડીપી ડેટા પર પણ નજર રાખશે. આજે સવારે એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1 ટકાથી વધુ ઘટ્યો હતો. તેવી જ રીતે તાઇવાન, કોસ્પી અને સ્ટ્રેઇટ્સ ટાઈમ્સ પણ લગભગ 1 ટકા ઘટ્યા હતા.
કોટક મહિન્દ્રા બેન્ક(Kotak Mahindra Bank) પર RBIના નિયંત્રણો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી કરી છે. કોટક બેંક પર ઓનલાઇન અને મોબાઇલ બેંકિંગ દ્વારા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા ગ્રાહકો ઉમેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આરબીઆઈએ એ પણ નિર્દેશ આપ્યો છે કે કોટક મહિન્દ્રા બેંક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના હાલના ગ્રાહકોને સેવાઓ આપવાનું ચાલુ રાખે.
આરબીઆઈ(Reserve bank of India )એ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આજે કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં (1) તેની ઓનલાઇન અને મોબાઇલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકોને જોડવા અને (2) નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. જો કે, બેંક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના હાલના ગ્રાહકોને સેવાઓ આપવાનું ચાલુ રાખશે.
આરબીઆઈનો આ નિર્ણય 2022 અને 2023 સુધી સતત બે વર્ષ મોનિટરિંગ કર્યા બાદ આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, આરબીઆઈને બેંકમાં ઘણી નોંધપાત્ર ખામીઓ અને નોન-રેગ્યુલેશન જોવા મળ્યું હતું. બેંક આ ચિંતાઓને વ્યાપક અને સમયસર ઉકેલવામાં નિષ્ફળ રહી હતી.
આ સમાચારને પગલે આજે ભારતીય બજારોમાં કોટક મહિન્દ્રા બેન્કનો શેર પ્રી-ઓપન સેશનમાં 9 ટકા જેટલો ઘટ્યો હતો.
વોડાફોન આઈડિયા(Vodafone Idea) FPO લિસ્ટીંગ
વોડાફોન આઇડિયા લિમિટેડનો FPO આજે 25 એપ્રિલના રોજ સવારે ₹ 11.80 ના ભાવે 7.2 ટકાના પ્રીમિયમ પર ખુલ્યો હતો. ત્યારબાદ તે 4 થી 5 % જેટલો વધ્યો હતો.
સવારે 9:20 વાગ્યે વોડાફોન આઇડિયાનો શેર 13 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ઇશ્યૂ પ્રાઈસ 11 રૂપિયાથી 18 ટકા વધારે હતો. છેલ્લા ત્રણ મહિનામાં વોડાફોન આઇડિયાનો શેર 13 ટકા જેટલો ઘટ્યો છે.
સંસ્થાકીય રોકાણકારો(ઇન્સ્ટીટયુટશનલ ઇન્વેસ્ટર્સ) પાસેથી નોંધપાત્ર રોકાણ મેળવ્યા પછી, દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ 18,000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે, જે તેને ભારતના ઇતિહાસમાં સૌથી મોટી એફપીઓ(FPO) બનાવે છે.
એક્સ્ચેન્જના સબ્સ્ક્રિપ્શન ડેટા અનુસાર બીડના અંતિમ દિવસે એટલે કે 22 એપ્રિલ સુધીમાં વોડાફોન આઇડિયાનો એફપીઓ 6.36 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં રોકાણકારોએ 8,011.8 કરોડ ઇક્વિટી શેર માટે બોલી લગાવી હતી.
FPO માટેની બીડમાં QIBs અથવા એલીજીબલ ઇન્સ્ટીટયુટશનલ ઇન્વેસ્ટર્સ મોખરે હતા, તેમની કેટેગરી 17.56 ગણી સબ્સ્ક્રાઇબ થઇ હતી. બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 4.13 ગણો સબસ્ક્રાઈબ થયો હતો , જ્યારે રીટેલ ક્વોટા સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.
વોડાફોન આઇડિયા નેટ ઇશ્યૂની આવકમાંથી 12,750 કરોડ રૂપિયા નવી 4G અને 5G સાઇટ્સ સ્થાપિત કરીને અને હાલની 4G સાઇટ્સની ક્ષમતા વધારીને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે ખર્ચ કરશે.
સફળ ફોલો-ઓન પબ્લિક (એફપીઓ-FPO) ઓફર હોવા છતાં, કેશ-સ્ટ્રેપ વોડાફોન આઇડિયા (વીઆઈ)ને વધુ ભંડોળ ઊભું કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કોમર્શિયલ બેંકો લોન લંબાવવાનો નિર્ણય લેતા પહેલા વોડાફોન આઇડિયાની જવાબદારીઓ અને આગામી 4-5 વર્ષમાં તેમની ચુકવણીના ટાઇમ-ટેબલની તપાસ કરશે.
વોડાફોન આઇડિયાની સફળ ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ-FPO) ટેલિકોમ ક્ષેત્રની સ્પર્ધાને નવી દિશા આપશે. કેટલાક બ્રોકરેજ હાઉસીસ દ્વારા વોડાફોન આઇડિયાના રેટિંગ અને ટાર્ગેટ પ્રાઈઝ સુધારવામાં આવ્યા છે.
ચેન્નાઈ પેટ્રોલિયમ(Chennai Petrolium) કોર્પોરેશન લિમિટેડના Q4 પરિણામો અને ડીવીડન્ડ
નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પેટાકંપની ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો નફો વધ્યો હતો. 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રોડ્યુસર ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો ચોખ્ખો નફો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર બેઝીસ પર 72% વધીને 628 કરોડ રૂપિયા થયો હતો, એમ બુધવારે કંપનીએ પોતાના એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું હતું. આ ક્વાર્ટરનો નફો ડિસેમ્બર ક્વાર્ટરના ₹ 365.3 કરોડના નફાની તુલનામાં 71% નો વધારો દર્શાવે છે.
આ ક્વાર્ટરની આવક સપાટ હતી પરંતુ અગાઉના ક્વાર્ટરથી 2% વધીને ₹17,720 કરોડ થઈ હતી. વ્યાજ, કરવેરા, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાની કમાણી (EBITDA) 53.2 ટકા વધીને ₹1,042 કરોડ થઈ છે, જ્યારે માર્જિન ડિસેમ્બરમાં રહેલા 3.91 ટકાથી વધીને 5.88 ટકા થયું છે.
ચેન્નાઈ પેટ્રોલિયમ Q4 હાઇલાઇટ્સ (Consolidated, QoQ)
- આવક 2% વધીને ₹17,720 કરોડ થઈ
- Ebitda 53% વધીને ₹1,042 કરોડ થઈ
- માર્જિન 196 બીપીએસ વધીને 5.87% થયા
- કંપનીનો ચોખ્ખો નફો 72% વધીને 628 કરોડ રૂપિયા
- ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનનું ક્રૂડ થ્રુપુટ અનુક્રમે 9.12 ટકા વધીને 3.09 મિલિયન ટન થયું છે, જે અગાઉના ક્વાર્ટરમાં 2.83 મિલિયન ટન હતું.
- કંપની દ્વારા શેર દીઠ 55 રૂપિયાનું ડીવીડન્ડ જાહેર કરાયું છે.
ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 2024 માટે શેર દીઠ ₹55ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જેના પરિણામે કંપનીની કુલ ચૂકવણી ₹819 કરોડ થશે, જે તેના સંપૂર્ણ વર્ષના ₹2,711 કરોડના નેટ પ્રોફિટના લગભગ 30% છે. ચેન્નાઈ પેટ્રોલિયમ દ્વારા જાહેર કરાયેલ ડિવિડન્ડ કંપનીએ ગયા વર્ષે જાહેર કરેલા શેર દીઠ ₹27 ના ડિવિડન્ડ કરતાં બમણું છે. અંતિમ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે.
છેલ્લા 12 મહિનામાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો સ્ટોક 4x અથવા લગભગ 300% વધ્યો છે. 2024 ના પ્રથમ મહિનામાં સ્ટોક લગભગ 50% વધ્યો હતો. બુધવારના ભારે ઉછાળા પછી એપ્રિલ મહિના માટે પણ શેરમાં સકારાત્મક વલણો બન્યા છે.
25 એપ્રિલે આવનારા Q4 પરિણામો (Stock Market Today)
રોકાણકારોને 25મી એપ્રિલે ઇન્ડસઇન્ડ બેન્ક, કોરોમંડલ ઇન્ટરનેશનલ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ, શેફલર ઇન્ડિયા, એસીસી, ટેક મહિન્દ્રા, એમફેસિસ, લૌરસ લેબ્સ,ઝેન્સર ટેક્નોલોજીસ, સાયન્ટ, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, ટાટા ટેલિસર્વિસીસ (મહારાષ્ટ્ર), વેલસ્પન લિવિંગ, તાનલા પ્લેટફોર્મ અને ઓલેક્ટ્રા ગ્રીનટેકના Q4 પરિણામો જોવા મળી શકે છે.
ટાટા કેપિટલ(Tata Capital) IPO
IPOમાં રસ ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. ખૂબ જ ટૂંક સમયમાં ટાટા જૂથનો નવો IPO રોકાણ માટે શરૂ થઈ શકે છે. ટાટા ગ્રુપ વધુ એક IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, આ હોલ્ડિંગ કંપની ટાટા સન્સ નથી. ટાટા કેપિટલ તેની નાણાકીય સેવાઓની શાખા ટાટા કેપિટલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
આ જૂથ આ વર્ષના અંત સુધીમાં ટાટા કેપિટલના શેરને ભારતીય બજારોમાં લીસ્ટ કરવાનું વિચારી રહ્યું છે. ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ તેમાં લગભગ 95 ટકા હિસ્સો ધરાવે છે. દેશના સૌથી મોટા બીઝનેસ જૂથે સંભવિત આઇપીઓ યોજના માટે બેન્કર્સનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. જૂથની નાણાકીય સેવાઓની શાખા ટાટા કેપિટલ ટૂંક સમયમાં આયોજિત આઇપીઓ માટે સંભવિત બેન્કરોની પસંદગી કરે તેવી શક્યતા છે. ટાટા ગ્રુપ 2024ના અંત સુધીમાં ટાટા કેપિટલના IPOને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ટાટા સન્સ પર 31 માર્ચ 2023 સુધીમાં 22,000 કરોડ રૂપિયાનું દેવું હતું. ટાટા સન્સે ગયા મહિને આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ના 2 કરોડ શેર વેચીને 1.1 અબજ ડોલર એકત્ર કર્યા હતા. ટીસીએસના હિસ્સાના વેચાણમાંથી એકત્ર થયેલી રોકડ રકમ ટાટા સન્સને તેની બેલેન્સશીટમાં સુધારો કરવામાં મદદ કરશે.